55 - ઉછાળું – ગઝલ / નયન દેસાઈ


દિવસભરનો સાંજે હું સિક્કો ઉછાળું
અને એમ દરરોજ શ્વાસો ઉછાળું

‘બચાવો ! બચાવો !’ નાં પોકાર પાડું;
પછી હું જ છાતીએ ભાલો ઉછાળું

બહુ ફ્રીઝ વાતાવરણ છે સમયનું;
મને સ્પર્શ કરવા હું શબ્દો ઉછાળું

રઝળતી મૂકી પાલખી મેં જ મારી;
હવે આખે રસ્તે હું રસ્તો ઉછાળું

સહસ્ત્રાબ્ધિ વર્ષોથી ભાગી ગયો છું;
પકડવા મને હું જ ફાંસો ઉછાળું.



0 comments


Leave comment