56 - ઘટના હોય છે – ગઝલ / નયન દેસાઈ


સૂર્યનું થીજી જવું ગમખ્વાર ઘટના હોય છે,
આમ પણ થીજી જવું એ એક સમસ્યા હોય છે.

પગરવોનું ધણ ફર્યું પાછું, કોઈ આવ્યું નહિ,
આવનારાં તો ફક્ત યાદોનાં ઓળાં હોય છે

આવનારાં કેટલાં છાતીની ઠંડક થઈ શકે ?
આવનારાં આમ તો ટોળાનાં ટોળાં હોય છે.

શ્વાસની દે’રી ઉપર ઝાંખી ધજા થઇ ફરફર્યા
રોજ ઝાલર વાગશેની ખોટી અફવા હોય છે.

દૂર ક્ષિતિજ પાર રંગીન ઝુલ ઝાલરની ઝૂકી,
કોઈ ક્ષણે આવી ફૂલોનાં નેત્ર ખુલતા હોય છે.

સાંજ માટી માટી થઈ મહેકી ઊઠે એવી ક્ષણે,
બ્રહ્મ બ્રહ્માંડોનાં દરવાજા ઊઘડતા હોય છે,

સાંજ તો રંગીન પરપોટો બની ફૂટી જશે,
જામમાં આ પૃથ્વીનાં મૃગજળનાં ટીપાં હોય છે,

હા ફરી ચકલી, મને ચકલી ગમે છે દોસ્તો !
આ ઊડાઊડ આ ચીં ચીંમાં લોક જીવતા હોય છે.



0 comments


Leave comment