57 - એકદમ – ગઝલ / નયન દેસાઈ
સાંજ મારા લોહીમાં તળિયે ઢળી ગઈ એકદમ,
એક પડછાયાની પાછી શગ બળી ગઈ એકદમ.
આ કિનારો, આ હવા મોજાં અને પછડાટ આ,
સાંજ આજે પણ નદી થઈને વહી ગઈ એકદમ.
સૂર્ય પણ ધીમે ધીમે નાનો અને નાનો થયો,
સાંજ જાંબૂડી નીરવતા ચીતરી ગઈ એકદમ,
તું હવાના સ્વાંગમાં ધીમું ધીમું કૈં ગણગણે,
ચોરપગલે સાંજ આવી સાંભળી ગઈ એકદમ.
આંખમાં મારી કોઈ નક્ષત્રનો ચળકાટ છે,
સાંજ પૃથ્વીનો લિસોટો પાથરી ગઈ એકદમ.
આવતી કાલે નગર છાપું બની ફાટી જશે,
સાંજ મારા કાનમાં એવું કહી ગઈ એકદમ.
જન્મ પૃથ્વી, મધ્ય પૃથ્વી, અંત પૃથ્વી, પૃથ્વી હે !
આ ઢળીને સાંજ કે, પૃથ્વી ઢળી ગઈ એકદમ
એક પથ્થર ને સિસિફસ કૈં નથી બીજું નવું.
આ ક્ષણો એવું નથી કે ઓગળી ગઈ એકદમ.
આજ ભીના ભીના શેઢા જેમ હું મહેકી ઊઠ્યો,
શ્વાસમાં ગોરજની ગોરમટી ભળી ગઈ એકદમ.
મેં કલમ ખોલી લખ્યા બે શબ્દ કેવલ સાંજના
આંગળીમાં કૈંક યાદો તરફડી ગઈ એકદમ
0 comments
Leave comment