58 - અમથી વહુ – ગીત / નયન દેસાઈ


અમથી વહુ મૂઈ સાંભળે છે....
મારી આંખે મોતિયો નેજવે ધુમ્મસ,
ટેરવે ઘૂઘવે દરિયા ઘસમસ.

અમથી વહુ મૂઈ સાંભળે છે...
મારી એંશી નાવડી હાલક ડોલક
કૂવા થાળે ચાલીસ વરસો પહેલાંની મારી બંગડી રઝળે,
પચ્ચીસ વરસે સજીવન થયેલો દીકરો ઘરમાં ફરવા નીકળે;
અમથી વહુ મૂઈ સાંભળે છે....

મને સોણામાં છપ્પનિયો આવે,
ભોંની તડમાં ડૂબી જાઉં તો કોણ બચાવે;
અમથી વહુ મૂઈ સાંભળે છે....
મારું જીવતર સાંજની ઘેરી છાલક;
મારી એંશી નાવડી હાલક ડોલક
વાછરડાંની વાંભથી ચમકી સવાર કાળો પોમચો પહેરે;
આંખમાં પાણી, નાકમાં પાણી ચૂલો ધુમાડે થઈને ઘેરે;
અમથી વહુ મૂઈ સાંભળે છે....

મારા ગોખમાં દી’વો દીવડે ઝાંખપ;
શ્વાસો પર્વત છાતીમાં તપ –
અમથી વહુ મૂઈ સાંભળે છે.

આખું ગામ ડૂબ્યું હું અભાગણી તે એકલી રહી ગઈ,
ઘર માન્દ્યાનું પાપ કે કંકુવતી ઓસરી સૂની થઈ ગઈ;
અમથી વહુ મૂડી સાંભળે છે.
મારા આંસુ નાં ફૂલ રાતાચટ્ટાક;
મારી એંશી નાવડી હાલક ડોલક0 comments


Leave comment