59 - મંગળદાસની ગઝલ / નયન દેસાઈ


મને અરીસામાં જોઉં કે નજર પડે છે મંગળદાસ,
સંકટ દુઃખ મારું કરો નિવારણ: મને કહે છે મંગળદાસ

સૂની ઓસરી, ભીંતો બોખાલી ટોપીની હરરાજી થઈ;
સમયનાં કાણાં પડ્યાં ફેફસે : હજી જીવે છે મંગળદાસ.

તમે સૂરજને વેચી નાંખ્યો ઝામરનાં પાણીને મૂલ;
ભરી બપોરે અજવાળાંની લાશ ઢળે છે મંગળદાસ

કણી પગોની ફરવા નીકળે સ્ટેશનથી ભાગળથી ચોક;
અને લોહીનો પડછાયો થઈ હરેફરે છે મંગળદાસ.

છરી એટલે સંબંધો ને નદી એટલે રેતી હોય;
છબી એટલે સદગત પોતે એમ કહે છે મંગળદાસ

ફરીથી આંસુ, ફરીથી માણસ, ફરીથી ભણકારાવશ સાંજ;
સવાર ચશ્માંમાં ઊગે ને છળી ઊઠે છે મંગળદાસ.

* સૂરતમાં જોયેલું એક જીવંત પાત્ર. માતાજીના છંદનો ઉપયોગ કર્યો છે.0 comments


Leave comment