60 - કોઈ યાદ આવે તેની ગઝલ / નયન દેસાઈ


ઠંડાં પડતાં લોહી વચ્ચે નીકળે તીણા ચીસના પડઘા પડઘો એટલે કોઈ યાદ આવે;
કોઈ બારીમાં ભણકારાનું ટોળું હોવું એટલે સમજ્યા ? સમજો એટલે કોઈ યાદ આવે.

કે.એલ.સાયગલના ગીત જેવી એકલતાનું છાનું રડવું અથવા મારી મા યાદ આવે;
ખુરશીમાં બેસીને સાંજે તરફડતા સૂરજને અડકો, સૂંઘો એટલે કોઈ યાદ આવે.

મારા હાથમાં લીલવાણી વગડાની કોઈ કૂંપણ ઊગતા, ભરચક ભરચક થઈ લહેરાઉં;
રેબ પસીને ઝેબ પસીને અડધી રાતે શમણું આવે, જાગો એટલે કોઈ યાદ આવે.

ડાબા હાથનું અંગૂઠાનું નિશાન દિવસોનાં કાગળ ઉપર કરપીણ ઘટનાઓની સાખે;
આથમણે સરિયામ ધ્રાસકો યાને ભેદભરમ થઇ ડૂબ્યો – ઉગો એટલે કોઈ યાદ આવે.

સાંકળ ખખડે એનો છૂટ્ટો અવાજ કચ્ચર કચ્ચર દદડે, દર્પણ આવું કેમ બને છે ?
ડૂમો અંતરિયાળ લાગણી થઇને આખા ઘરમાં દોડે, પકડો એટલે કોઈ યાદ આવે.

નખથી તે નખીલીથી તે નક્ષત્ર સુધીની સ્મરણ વેદના હરક્ષણ શ્વાસોનું રણઝણવું;
ખમ્મીસ માફક સાવ ઉઘાડા જખ્મો પહેરી ફરતો માણસ હોવો એટલે કોઈ યાદ આવે.0 comments


Leave comment