61 - એક સિનેમેટિક ગઝલ / નયન દેસાઈ


દૂર હોડી, ગીત ધીમું સ્હેજ કેમેરા ફરે,
ક્લોઝ-અપ સંવાદ સૌ કાંઠા ઉપર પાછા ફરે.

આંગળીઓ ટેપની સ્વીચ પર અને ધીમી તરજ,
ફીણ ઊછળે ગ્લાસમાં ને મેક-અપ ફેરા ફરે.

કાગડાનાં ઝૂંડ આકાશે ઊડે બે ચાર ક્ષણ,
‘બદ્દતમીઝ’ કહેતા વિલનની આંખમાં ભાલા ફરે.

હોજમાં લીસ્સી ચળકતી ચામડી ને શોર્ટ સીન,
સીન ઉપર ભૂખ્યા સમયનાં તીક્ષ્ણ કુંડાળા ફરે.

લોન્ગ સીન, ગાડી ઊભી હાંફે હિરોઈનનું રુદન,
એક ભાડૂતી કુલીની છાતી પર પાટા ફરે.

ક્લોઝ-અપ સંવાદ સૌ કાંઠાથી જાણે દૂર દૂર;
દૂર હોડી ગીત ધીમું સ્હેજ કેમેરા ફરે.



0 comments


Leave comment