62 - માણસ – ગઝલ / નયન દેસાઈ


માણસના હાથમાં ઊગ્યો ઝેરી કરોળિયો;
માણસ તો ભીંતથી બીએ, માણસ તો ભોળિયો.

માણસ ડૂબી ગયો એ કિનારાનો વાંક છે;
સમંદર રડી પડ્યો, રડ્યો સૂરજ ખાગોળિયો

અફવા બની ગયાં બધાં માણસનાં વંશજો;
વહે છે સમયના લોહીમાં અખબારી પોલિયો.

માણસ તો સાંજ સાંજ થઇ રસ્તે તૂટી પડ્યો;
એનો કરે છે રોજ આ આકાશ કોળિયો.

માણસ ને શ્વાસ વચ્ચેનું આ યુદ્ધ એટલે ;
લોહીલુહાણ સર્પ ને તરફડતો નોળિયો.

માણસને લોહી આટલા ક્યૂસેક્સ જોઈએ;
તો પણ રહે છે જિંદગીનો રિક્ત ઝોળિયો.

મોભેથી કાગળો ઊડ્યો સો એ વરસ લઇ;
માણસ વગરનો થઈ ગયો કાથીનો ઢોલિયો.0 comments


Leave comment