63 - ગઝલ અખાનાં છપ્પામાં / નયન દેસાઈ


સાંજ વગરની સાંજ ઢળે ને દિવસ – વગરનો તડકો થાય,
આમ કશું પણ કારણ નૈં ને આમ સમયનો ભડકો થાય....

શ્વાસ ઢબૂકે, અવાજ સળગે, ભાગો ભાગો ભાગો થાય;
કોણ ભરાયું છે લોહીના જંગલમાં કે હાંકો થાય ?

આંખ ખૂલે કે તારીખનું પાનું જાણે મીંચકા રે આંખ;
દુનિયાને વેચાઈ જવાનો રોજ ઊઠીને સોદો થાય.

સોળ સજી સણગાર અધૂરાં સ્વપ્ન જુએ નીંદરની રાહ;
રાત પડે ને સૂનાં ઘરમાં એકલતાંનો મુજરો થાય.

દોસ્ત ! અહીં તો એકલતાનું ઈંચ દોકડામાં છે માપ;
આટલું ઝાકળ, આટલાં ડૂસકાં રડો તો ઓ હો હો હો થાય !

હું જ ગઝલ છું, હું જ બનારસ ને લખનૌની ગલીઓ હું જ;
શ્વાસ લઉં કે છાતી પર બેગમ અખ્તરનો ટહુકો થાય.

નામ ‘નયન’નું લઈ જન્મી છે કોઈ કુતૂહલ જેવી ઘટના;
છેક ઊંડાણે એનું હોવું, કેમ કરીને પીછો થાય ?0 comments


Leave comment