65 - પાછા આવે પાછા જાય – ગઝલ / નયન દેસાઈ


ઓરે મારાં લખલખ આંસુ પાંપણ પરથી પાછા આવે પાછા જાય ....
જાણે ટોળાબંધ મોરલા પાદર પરથી પાછા આવે પાછા જાય ....

લે આ છેલ્લો કાગળ તારે દેશ લખ્યો, પરદેશ લખ્યો ને સરનામું ગૂમ....
સૈ સણઝણતી બંગડીના ટુકડાઓ ભાંગ્યા અક્ષર પરથી પાછા આવે પાછા જાય ....

મેડીમાંથી અધરાતે મધરાતે પીટ્યા સફેદ પડછાયાળા શમણાં ફરવાં નીકળે,
માંડ દબાવેલાં ડૂસકાંઓ સૌ અધૂરે જન્મ્યાં ઉંબરથી પાછા આવે પાછા જાય ....

ઘેઘૂર સાંજે દિવસ ખરે ને છાતી પર આકાશનાં સૂકાં પાનનો ઢગલો;
ડૂબ્યાં સૂરજનાં અજવાળાં સૌ એક હાથ છેટે અંતરથી પાછા આવે પાછા જાય ....

હિબકી ઊઠે ઘર આખું ને ઘરમાં ખૂણે ભરત ભર્યું ફૂલ માથે બેસે;
સ્મરણો સૌ પેટીમાં પૂર્યા ઘરચોળાની ભાત ઉપરથી પાછા આવે પાછા જાય ....

માથું ઢાળી ચીતરેલા સ્વસ્તિક આગળ અણજાણપણે હું જઈ બેસું છું,
સૈમાં ઝરણું સૂની પથારી વેદના મંત્રો સારસ ઘરથી પાછા આવે પાછા જાય ....



0 comments


Leave comment