66 - જાય છે – ગઝલ / નયન દેસાઈ


આંખમાં એકાંતનાં મોજાં ઊછળતાં જાય છે,
દૂર ક્ષિતિજ પર વહાણો દૂર સરતાં જાય છે.

હુંય પરવાળાનો ટાપુ છું હે સાંભળ નિલમણિ !

સૂર્યની જેમ જ મને ટહુકાઓ ઊગતા જાય છે.

હણહણાતી ચહુ દિશાઓ પણ હવે થંભી ગઈ,
પંચકલ્યાણી પવન નીચે ઊતરતા જાય છે.

યાદના ઢોળાવ પર ઢોળાવ ઊતર્યે જાઉં છું,
મેં ત્યજેલા માર્ગમાં પડછાયા મળતા જાય છે.

એકલો મનની બિહડ ગુફામાં ઊભો છું હવે
ને અચાનક મારા ટોળેટોળા બનતા જાય છે.

ઝીલવું એકાંતને અર્થાત્ આથમવું અહીં;
સાંજ પાણી હોય તો પડછાયાં તરતાં જાય છે.

આંખમાં ઊછર્યો હવે તાજો દિવસ મુરઝાય છે.
પગરવોના ચોક વચ્ચે પાન ખરતાં જાય છે.



0 comments


Leave comment