67 - ઘર કૈં નહીં બોલ્યું - ગઝલ / નયન દેસાઈ
બરફનો સૂર્ય આથમણે અને ઘર કૈં નહીં બોલ્યું;
બળેલી સાંજ પાથરણે અને ઘર કૈં નહીં બોલ્યું
સૂની મેડી, સૂની ચોપાટ અને પગરવનો કોલાહલ;
સજીવન હું થયો શમણે અને ઘર કૈં નહીં બોલ્યું
ગઝલ વહેતી મૂકી લોહીની વચ્ચે શબ્દ સંગાથે;
દટાયો ધૂંધળા સ્મરણે અને ઘર કૈં નહીં બોલ્યું
સમેટી લઈ બધાં પગલાં ગયા શ્વાસો ક્ષિતિજ ઊતરી;
ગયો પડછાયાનાં શરણે અને ઘર કૈં નહીં બોલ્યું
હંમેશાં રોજ રાત્રીએ બદલાતો હું રહ્યો પડખા;
કદી ડાબે, કદી જમણે અને ઘર કૈં નહીં બોલ્યું
પવન ચૂંથી રહ્યો છે વૃક્ષ મારી હસ્તરેખાનું ;
કહ્યું તૂટી પડ્યાં પર્ણે અને ઘર કૈં નહીં બોલ્યું
0 comments
Leave comment