64 - સમય / ચિનુ મોદી


આંખમાં ક્યારેક ઝૂકી સ્હેજ જો જોશો તમે
તો હવાની જેમ કાયાહીન દેખાશે સમય.

આ પ્રતીક્ષાની ક્ષણો પણ સાવ નિષ્ફળ જાય તો ?
એક ઘડિયાળે ખરેખર આજ ભીંજાશે સમય

કાચબાની જેમ ધીમેથી સરકતો જાય છે,
તો મિલનટાણે હરણની જેમ કાં નાશે સમય ?

પૂંઠ ફેરવશો તમે આજે મને જો જોઇને
તો પછીથી સાથમાં વીતેલ શરમાશે સમય

એક આંસુ, શુદ્ધ આંસુને તમારે પામવું,
હાથ મોતી આવતાં પ્હેલાં જ વીંધાશે સમય


0 comments


Leave comment