66 - જાગી શકે / ચિનુ મોદી


રાતભર અંધાર વચ્ચે એકલું જાગી શકે
શૂન્યદાર દીવાલ છોડી કેટલું ભાગી શકે ?

નામ દરિયાનું લખું છું તટ ઉપરની રેતમાં
રેતની ભીનાશને મોજાં નહીં તાગી શકે

જંગલોમાં ગુપ્ત વેશે વૃક્ષની વચ્ચે હતી
સારિકા ક્યારેક લીલી પાંદડી લાગી શકે

એક અણગમતી રમત રમવી સમય ને શ્વાસને
બેયમાંથી કોઈ પણ તમને હવે માગી શકે

બંધ બારીબારણાં છે પટ ભરેલાં છે છતાં
હાથથી સરકી ટકોરા દ્વાર પર વાગી શકે


0 comments


Leave comment