67 - આ હાથને / ચિનુ મોદી


ઠેલવાને દ્વાર, લંબાવી શકો આ હાથને
સ્પર્શનો સંબંધ લાગે સાવકો, આ હાથને

વાડ પાસે થોભી, દોડે છે હરણ, એ દ્રશ્યથી
થોર વચ્ચે હાથ, પાછા કંટકો આ હાથને

જાય ખસતો ને પરાયો થાય છે વીત્યો સમય
નખ વધી માન્યા કરે છે પારકો આ હાથને

એક શીશીથી અવિરત રેત ખરતી હોય છે
રણ હથેલીમાં સમાવાની તકો આ હાથને

પાંદડી પરથી સરકશે ઓસ, એની વાટમાં
ડાળખી સમજી હલાવે બાળકો આ હાથને


0 comments


Leave comment