69 - નથી / ચિનુ મોદી


દૂરગામી દૃશ્ય જોવાતું નથી
આવનારું આંસુ લ્હોવાતું નથી

અંધ પેઠે ભીંતનો ટેકો લઈ
રોજ ખોટું મોતી પ્રોવાતું નથી

ચોક વચ્ચે એક પગલું મોરનું
ખોવું છે ને તોય ખોવાતું નથી

નગ્ન લીલા નાગ સૂકા ઘાસમાં
ઘાસને પાણીય ટોવાતું નથી

ટોડલે બેઠાનું પોપટ પાપ છે,
પિંજરામાં પાપ ધોવાતું નથી


0 comments


Leave comment