72 - જીવશું / ચિનુ મોદી


વ્યર્થતાની ભૂતિયા આબોહવામાં જીવશું
એટલે ખાલીપણાને રોકવામાં જીવશું

દોડતા’તા એ જ ઘોડા ક્યાંક અટકે વાટમાં
આપણે એનાં પગેરું કાઢવામાં જીવશું.

છેક છેવટ શેષમાં રેતી વધે છે હાથમાં
રેતનો ઢગલો થતાં, ફંફોસવામાં જીવશું

કેવું કારાગાર છે, બંધન નથી, મુક્તિ નથી
આમ બંધ બાંધવાં ને છોડવામાં જીવશું

જીવવું છે એમ સમજીને પછી શું જીવશું ?
શ્વાસને એક જ ક્રમે પડઘાવવામાં જીવશું.


0 comments


Leave comment