5.7 - તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી, આભના આભૂષણ તોયે ઓછાં પડે / સંવાદ / જ્વલંત છાયા


      ચૂંટણી નજીક હોય ત્યારે પીએમ કોણ અને સીએમ કોણ એવી ચર્ચાઓ પછી એક્ઝિટપોલ વગેરે મીડિયામાં ચાલ્યા જ કરે, તેવી રીતે ક્રિકેટર સચિન તેંડુલકરની ૧૦૦મી સેન્ચુરી જ્યાં સુધી થઈ નહોતી ત્યાં સીધી તેની સતત ચર્ચા રહેતી. તેમાંય જે દિવસે મેચ હોય ત્યારે તો સવારથી માધ્યમોમાં એક જ વાત હોય ,'ક્યા સૌવા શતક બના પાએગે સચિન?' ક્રિકેટપ્રેમીઓ જ નહીં, મોટાભાગના ભારતીયોની નજર બોલના એ ટપ્પા ઉપર હતી, જે સચિનના બેટ ને અથડાઈને તેને આ ઇનિંગના ૧૦૦માં રન અને કારકિર્દીની ૧૦૦મી સદી સુધી લઈ જવાનો હતો. ભારતીય ક્રિકેટની આ ઐતિહાસિક ક્ષણનો ઇન્તજાર દિવસો અને મહિનાઓમાં લંબાઈ ગયો હતો. દેશને સચિન તેંડુલકર પાસેથી મોટી અપેક્ષા હતી. સચિન મહાનોમાં મહાન ક્રિકેટર છે, બે દાયકાથી વિશ્વ ક્રિકેટની પીચ પર નોટઆઉટ છે. એટલે તેની કેરિયરને આંકડાકીય માપદંડો હોવાના જ. જેમણે પોતપોતાનાં ફિલ્ડમાં સતત અને ગુણવત્તા ભર્યું કામ કર્યું છે તેમની પાસેથી તો અપેક્ષાઓ રહેવાની જ. સચિનની ઓવરઓલ કેરિયર મહત્વની કે તેની ફક્ત ૧૦૦મી સેન્ચુરી? ૧૦૦મી સદી સાથે વિવાહ ન થાત તો તેની આ ૯૯ સદી કુંવારી રહેત? આટલા કેચ, આટલી અડધી સદી, આટલી ઈનિંગ્ઝ અને બારમા બેસીને પણ દૂધ પીતો હોય તેવી બેદાગ કારકિર્દી! સચિને ૧૦૦ સદી ન કરી હોત તો શું ? પરંતુ તે સદા અપેક્ષિત છે. જેમ જેમ માણસ સફળ થતો જાય તેમ અપેક્ષા દરિયાની ભરતીની જેમ વધતી જાય અને અપેક્ષાઓને ઓટ નથી !

      ક્રિકેટર, ફિલ્મકલાકાર જ નહીં માનવ સંબંધો, માનવજીવનમાં અપેક્ષા સતત ધબકતી બાબત છે. કોઈ ચકલી જો વેઇટલીફટિંગની સ્પર્ધામાં મેડલ જીતી આવે તો કોઈ માનવ સંબંધ અપેક્ષા વગરનો હોવાની શક્યતા છે ! સામાન્ય વાતાવરણ જ એવું છે કે કોઈ માણસ શુ કરે છે ? તેણે શુ કર્યું છે તે બાબત ટેઇકન ફોર ગ્રાન્ટેડ બની જાય છે. તે શું કરી શકે તેના પર જગતની આંખડીયું મંડાયેલી છે! અને બીજું એ પણ ખરું કે ફિલ્ડમાં, ફેમિલીમાં કે ક્યાંય પણ બીજે શુ કર્યું? બીજું શું કર્યું? કેટલી તકલીફ પડી? એ બધું ગૌણ. તમારી કોઈ ક્ષમતા કે સંઘર્ષ ની ગણતરી નહિ, 'મારી ગાગર ઉપાડો તો જાણું કે રાજ તમે ઊંચક્યો તો પહાડને' (સુરેશ દલાલ). સદા હકારાત્મકતાને શ્વસતા લોકોને અહીં ફ્રસ્ટેશનનું સેનેસેશન આવશે પરંતુ આ હકીકત છે. અને એમ અપેક્ષા વગર સાવ જીવવું પાલવે પણ કેમ ? માણસ માણસ પાસે અપેક્ષા ન રાખે તો કોની પાસે રાખે ? કિંગકોન અને ગોડજીલા પાસે? અપેક્ષાઓ શ્વાસોશ્વાસ બને ત્યાં સુધી ઓકે. માણસ માણસ વચ્ચે તે ઇન્ફેક્શનની જેમ ફેલાય છે!

      માનવ સ્વભાવ છે, જે છે તે જોવા કે માણવા કે સ્વીકારવાને બદલે નથી અથવા જોઈએ છે તેનો વિચાર કર્યે રાખવો. જાવેદ અખ્તરનો શેર છે, 'સબક ખુશી સે ફસલા એક કદમ હૈ, હર ઘરમેં બસ એક હી કમરા કમ હૈ.' દરેકને કૈંક ખૂટતું જ લાગે છે. અપેક્ષાને આપણે સૌ ઉછેરતા આવીએ છીએ. ક્યારેક તેનું સ્તર પણ વિચારવાની વાત બની જાય છે. ઘણીવાર મોટા લોકો પાસે આપણે નાની નાની અપેક્ષાઓ રાખીએ છીએ. નેતાની લાયકાત કે ગુણવતા શું? ગાંધીજીએ એક પણ દિવસ એક પણ પદ લીધા વગર વર્ષો સુધી લોકહૃદય પર શાસન કર્યું. તેને નેતા કહેવાય. સરદાર વડાપ્રધાન નહોતા તેમ છતાં તેમનું નેતૃત્વ આજે પણ સ્મરણીય છે. આદર્શ સ્થિતિ એ છે, સારો નેતા એ છે જે દેશની પ્રજાનું, તેના સંસ્કારોનું ઘડતર કરે તેને વિકાસની લાંબાગાળાની બ્લુપ્રિન્ટ અને વિઝન આપે. એક વિચારધારા ઘડે - સુભાષ નાગરે એક ઇન્સાન હૈ ,લેકિન સરકાર એક સોચ હૈ ! આ વિચારધારા દુનિયાને કામ આવી શકે. પરંતુ આપણી અપેક્ષા નેતાઓ પાસે ફક્ત મોંઘવારી ઘટાડવાની અને આરોગ્યસેવાઓ યોગ્ય બનાવવાની હોય છે!

      એવું નથી કે સચિન કે અમિતાભ પાસે જ લોકોની અપેક્ષા હોય. અરે દીકરો-દીકરી પણ ૧૨માં ધોરણમાં આવે કે તરત સંતાન મટીને પરિક્ષાર્થી બની જાય છે. તે ભાવિ એન્જીનીયર કે ભાવિ ડોક્ટર બની જતા હોય છે. અને બસ એ જાણે ટકાવારીનું મશીન હોય તેનો અવતાર આ પૃથ્વી પર ૯૦ ટકા લાવવા માટે જ થયો હોય તેવું વર્તન તેમની સાથે થાય છે. જો જો અહીં ઉચ્ચશિક્ષણ કે ટોપ રેન્ક મેળવવા પ્રોત્સાહન ન આપવું તેવી વાત નથી, ધ્યાન રહે બાપજી! સફળતાની વાત આવે ત્યારે સહજતા ચુકાઈ જાય એ મુદ્દો મહત્વનો છે. માતા પિતાનો ધર્મ એ છે કે તે સંતાનનું સારું ઈચ્છે તેના બદલે આપણે ત્યાં સંતાન પાસેથી સારું ઇચ્છવાની પરંપરા છે. અલબત્ત સંતાનોની અપેક્ષાઓ પણ હોય છે. મને પોકેટમની મળે, મને બાઇક મળે, સ્માર્ટ ફોન મળે, મલ્ટીપ્લેક્સમાં જવા મળે. માતા- પિતાની અપેક્ષા એવી હોય કે દીકરો મોટો થઇને અમને સાચવે, રાખે (વ્હાલના દરિયાઓ માટે તો આવી અપેક્ષા ન હોય ને!)

      ગુરુ-શિષ્ય પરંપરા પણ અપેક્ષાથી પર નથી. પોતાનો વારસો શિષ્ય આગળ વધારે તેવું ગુરુ ઈચ્છે અને પોતે દીક્ષિત થાય, શક્તિ કે જ્ઞાન અમે તેવું શિષ્ય ઈચ્છતો હોય છે. અને સ્ત્રી પુરુષના સંબંધો ? ઓહ, અપેક્ષા તો ત્યાં મૂળ તત્વ છે કદાચ. પ્લેટોનિક લવ અલગ દાયરો છે અને પ્રેમ પણ અપેક્ષા રહિત નથી હોતો. 'હું તને કાઈ આપી નહિ શકું, મને મુક્ત કર' એ પણ એક અપેક્ષા છે. ફક્ત મને જ પ્રેમ કરે એ પણ અપેક્ષા છે. મારી ઈચ્છા અનુસાર, મને ગમે તેમ જીવ તે પણ અપેક્ષા છે. ફર્ક એટલો છે કે સામાજિક લેબલવાળા સંબંધોમાં પરસ્પર અપેક્ષાનો આદર હોય તેના કરતાં વાંસની જેમ ફૂટી નીકળીને વાંસળી બનેલા સંબંધોમાં તે આદર વધારે હોય છે. પતિ-પત્નીના સંબંધોમાં તો એવું બને કે ક્યારેક અપેક્ષા જ તેનો આધાર બની જાય. એક તરફથી તે અપેક્ષા રહે અને બીજી તરફ એ સંતોષવામાં જ જિંદગી નીકળે આવી હાલતમાં કોઈ કઈ તરફ હોય તે તો ઇન્ડિવિડયુઅલ બાબત છે - જો લગ્ન પછી ઇન્ડિવિડયુઆલીટી બચી હોય તો !!!!! અને બહેન ! ઓ, આ દુનિયામાં સૌથી વધારે અપેક્ષા રાખતું કોઈ સ્ત્રી પાત્ર હોય તો તે 'ભાઈ બહેનની લાડકી' છે. ભાઈઓ લીમડી -પીપળી ઝુલાવતા રહે છે. ચર્ચા અલગથી કરવી પડે એવો મુદ્દો છે.

      અપેક્ષા એ ભૌતિક યુગની જ વાત નથી. જંગલમાં પર્ણકુટીમાં બેઠેલા સીતા મૈયાને સુવર્ણમૃગ તો આકર્ષે જ. કૈકની અપેક્ષાને લીધે તો આખું રામાયણ સર્જાયું. આવા સંખ્યાબંધ ઉદાહરણો છે. સૌથી ઑછી અપેક્ષા રાખનાર સ્ત્રી કદાચ વૈશ્યા છે. જે વળતર તે મેળવે છે એ તેની જરૂરત છે - અપેક્ષા નથી. બધું જ આપી દીધા પછી તે ક્યારેય પુરુષ પાસે હક્ક નથી જમાવતી કારણકે દરેક પુરુષ તેના માટે ગ્રાહક છે, પતિ કે ભાઈ કે પિતા નહિ. અને મા, હા તેને સંતાન પાસેથી ભૌતિક - દુન્યવી અપેક્ષા ઓછી હોય છે પરંતુ દીકરો સંસ્કારી બને, તેણે કેમ રહેવું જોઈએ તેવી અપેક્ષા તો તેને રહે છે જ. ફેર અન્ય સંબંધો અને આ સંબંધમાં એ છે કે અપેક્ષા ન સંતોષાય પછી પણ મા સંતાનને સ્વીકારી લે છે એટલે જ દૈહીક રીતે મા ન હોય તે પણ પોતાના પ્રિયપાત્ર માટે મા નો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે.

      હરીન્દ્ર દવેએ આ અપેક્ષા વિશે માર્મિક વાત કરી છે, 'કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી,આપણી અપેક્ષાઓ જ વધારે છે'. બહુ ઓછા લોકો એ સમજે છે. સમાજને અર્જુન જોઈએ છીએ પરંતુ વિષાદ યોગ દૂર કરવા કોઈને સારથી નથી બનવું. દરેક યુવાન પાસે વિવેકાનંદ બનવાની અપેક્ષા રખાય છે પરંતુ પરમહંસ બનાવની તૈયારી કે લાયકાત ક્યાં? અને જીવનમાં દરેકની અપેક્ષા વધતી જાય છે. ઉમાશંકર જોશી સરસ આ વાતને વર્ણવે છે કે 'તરણાની છાયા હેઠે કાયા ઢંકાઈ તારી આભના આભૂષણ તોય ઓછા પડે' અપેક્ષાની ટીકાનો અર્થ જ નથી, યુગોથી માણસ એમ જ જીવતો આવ્યો છે. છે તેના કરતાં હોવું જોઈએ તે જ મહત્વનું છે - ધારોકે એક સાંજ આપણે મળ્યા, પણ આખા આ આયખાંનું શુ?


0 comments


Leave comment