3 - પદ - ૩ - વિના વિવેકે જ્યહાં ત્યહાં રાચુંજી / દયારામ


વિના વિવેકે જ્યહાં ત્યહાં રાચુંજી, જેહ સુણું તે જાણું સાચુંજી;
ભ્રમ ચગડોળે ચઢ્યું ચિત્ત મહારૂંજી, નિશ્ચ ન થયું આ એક સારૂંજી.

એમ ભમ્યો હું દ્વાદશ વર્ષજી, તીર્થ કર્યા પણ હ્રદય ન હર્ષજી;
હજુ લગી નિશ્ચે નથી એક ઇષ્ટજી, સહુ પંથ સરખા ન એકે મિષ્ટજી.

ઢાળ

તો મિષ્ટ લાગે મનથી, જો આવે નિશ્ચે એકમાં;
સહુ વાતમાં ભ્રમ રહે છે, સમજૂ ન સત્ય વિવેકમાં. ૩

પરિપૂર્ણ જ્ઞાની ભલો, કે સમજાવવો ભલો મુગ્ધ;
અધબળ્યો સુધરે નહિ જેમ સુધરે વચલું દુગ્ઘ. ૪

નથી અધમ ઉત્તમ પરીક્ષા, મન થયું માટીની ડલી;
મધુ મુત્ર વા જલ કૂપ નદી સહુ સ્પર્શથી જાય જ ગલી. ૫

શિવ શક્તિ ગણપતિ રવિ હરિગુણ સાંભળ્યા જ્યાં જેહ;
તે વિશ્વકર્તા કહ્યા છે આદિ અનાદિ તેહ. ૬

તે વચન સર્વ વ્યાસનાં મિથ્યા ન કોઈ કહેવાય;
તે થકી નિર્ણય થાય નહિ, એક સદા મન ડોહોળાય. ૭

એહવી દિશા છે માહરી, મેં પ્રકટ કહી ગુરુરાય;
તમો દયાપ્રીતમના પ્રિયે કહિ શિશ મુક્યું પાય. ૮


0 comments


Leave comment