8 - પદ - ૮ - નિરખ્યા હરિ તોતાદ્રી ધામજી / દયારામ


નિરખ્યા હરિ તોતાદ્રી ધામજી, શ્રીઆદિ કેશવ અભિરામજી;
મહેલ કોટામાં શ્રીહરિરૂપજી, કુમારિ કન્યા ક્ષેત્ર અનુપજી. ૧

પદ્મતીરથ પંચાસર ક્ષેત્રજી, અનંતપુર શ્રીપંકજનેત્રજી;
પદ્મનાભજી શ્રીસહ નામજી, જનાર્દન શ્રીપૂરણકામજી. ૨

ઢાળ

છે પૂર્ણકામ શ્રીરંગનાથજી, ચપલરાયજી નામ;
શ્રીસ્વામી કાર્તિક ગોકર્ણેશ્વર પંપાસર અભિરામ. ૩

શ્રી શૈલિસિખરે મલ્લિકાર્જુન રષભશૈલ મહેન્દ્ર;
શ્રીરામ હૃદ અર્ધનારીશ્વર પછી નિરખ્યા શ્રી કૃષ્ણચંદ્ર. ૪

પછી પંઢરપુર શ્રીવિઠ્ઠલેશ્વર ચંદ્રભાગાતીર;
નદી ભીમરથિ શ્રીભીમાશંકર કૃષ્ણ નિર્મળ નીર. ૫

શ્રી મહાલક્ષ્મી કહોલાપુર, પછી સપ્તશૃંગી દેવી;
શ્રીગૌતમી ગંગા પુનીત પય દેવ મુનિજન સેવી. ૬

શ્રી ત્ર્યંબકેશ્વર નીલગિરિ કનખલ તીરથ શુભ નામ;
ન્હાઈ નિરખિયાં સ્થળ પંચવટી લક્ષ્મણ સીતા રામ. ૭

દંડકારણ્યની યાત્રા કરી પછી સૂર્યતનયા સ્નાન;
જન દયાપ્રીતમપ્રિયાભગિની તીર્થ પરમ મહાન. ૮


0 comments


Leave comment