13 - પદ - ૧૩ - પરબ્રહ્મનું સ્વરૂપ / દયારામ


આદ્ય સ્વયંભુ આત્મારામજી, મુળ પુરૂષ જે પૂરણકામજી;
પ્રધાનપુરૂષેશ્વર પરબ્રહ્મજી, નેતિ નેતિ કહે નિગમજી. ૧

પર અક્ષરથી ત્રિગુણાતીતજી, ગમ્ય ન મન ગો અકળ અજીતજી;
જે થકી કંપે માયા કાળજી, એવું અખિલનું રૂપ રસાળજી. ૨

ઢાળ

બ્રહ્મ રસત્મકતા

જે રસાળ, નિત્ય, નવીન, મોહન, આનંદમય બહુ સંગ;
નટવર લલિતત્રિભંગ છબી, પર વારુ અનંત અનંગ. ૩

અક્ષરબ્રહ્મથી પરબ્રહ્મની અધિકતા

પ્રતિરોમ જે મહાપુરૂષ બ્રહ્મ બ્રહ્માંડ કોટિ અનંત;
તે વામ પદમાં બિન્દુરૂપે વસે રાધાકાંત. ૪

બ્રહ્મનું અન્તર્યામિત્વ

પરમાત્મ ધર્મ્યે કરી જે સર્વના અંતર્યામી;
શ્રીનારાયણ ભગવાન ધર્મ્યે સકળ કેરા સ્વામી. ૫

આકૃતિ શિશુ ને કુમાર વ્રજ, પૌંગંડ નંદકુમાર;
છે ધર્મી નિત્ય કિશોર કેશવ, રાધિકા ઉર હાર. ૬

નિત્ય નવલ યશ બે સહસ્ત્ર રચના, શેષ જેના ગાય છે;
શિવશિશ પાવન અચલ પદ પય, વહનકરી સુખી થાય છે. ૭

જે મુળ પ્રકૃતિ મહામાયા, જે પુરુષની કીંકરી;
તે દયાપ્રીતમ અખિલ ઈશ્વર ગોપીજનવલ્લભ હરી. ૮


0 comments


Leave comment