27 - પદ - ૨૭ - હરિરસના પાનમાં ભગવદીયોનો અધિકાર / દયારામ


શ્રીગિરિધરના ભક્ત સુહાગીજી, પ્રેમ રસ ભક્તિતણા વિભાગીજી;
સરજા છે હરિરસ પીવાજી અણઅધિકારિ ન ઉતરે ગ્રીવાજી. ૧

મરાલ મન મત્સ્યે નવ જાયેજી, બક મુક્તાફળ નવ ખવાયજી;
દીપક જીવે પાને સ્નેહજી, મક્ષિ તજે તે અડતાં દેહજી. ૨

ઢાળ

એમ દેહ છૂટે ખરતણો જો કદિ સાકર ખવાય;
તે આહાર સક્કરખોર ખગ, મિસરી વિના ન જિવાય. ૩

સિંહણે પય જ્યમ જેરવે, સિંહેણના જે બાળ;
વણ કંચનપાત્ર ટકે ના ક્યહું, ફોડી નિસરે તત્કાળ. ૪

ઉદરે ટકે રસ સોમવલ્લી, શુદ્ધ કુળ જો વિપ્ર;
હોય વિકારી તો વમન કરી, કાઢે જે તે રસ ક્ષિપ્ર. ૫

જ્યમ ક્ષાર જલનું મત્સ્ય, મીઠે જળે પામે મીચ,
જ્યમ કીટ વિષનો મરે ખાંડ, એ જ રીતિ નીચ. ૬

મહામિષ્ટ ભોજન કટુ લાગે, જેહને તન જ્વર હોય;
ઊંટ ભક્ષક કંટકતણો કુંપળ, આમ્ર ખાય ન કોય. ૭

ભગવદી જન ભગવંત ભજવા નિત્ય નવલા કોડ;
જન દયાપ્રીતમ પ્રભાકર, દેખે ન આસુરી ધોડ. ૮


0 comments


Leave comment