18 - દરદ દિલ / બાલાશંકર કંથારિયા


ભૈરવી – ગઝલ

દરદ દિલ ક્યાં બતાવું જઈ બધેથી યારિ મારી ગઈ,
કવીતા ક્યાં સુણાવું જઈ હવે તો વારિ મારી ગઈ?

જવું તે ઘરે શાને કાજ પરીક્ષા પ્રેમની ના જ્યાં,
નજર શાને જરા કરવી જહાં મહેમાનદારી ગઈ?

ધરે શી દિલ કંઈ આશા નિરાશા અંત આવી જ્યાં,
પવન પાણી મહીં પ્યારી વફાદારી હમારી ગઈ.

જઈ મસ્તાનને પૂછું ગુરગમ ભેદ બતલાવે,
કહે રે પ્રાણથી પ્યારા બલા શી રીત તારી ગઈ?

રહું દિનરાત મસ્તાનો મદીરા પ્રેમનો પીને,
હવા લાગે ન દુનિયાની સરવ યારી વિસારી ગઈ.

બલાઓ મેં લીધી તારી દુખી નિત હું સુખી તું યાર,
બધીએ પ્યારિ લે પાછી તુફાની રાત કારી ગઈ.

અહો કોઈ નામવર પંથી દયાળૂ દોસ્ત દેશેથી,
મને આવી કહે કાંઈ ખબર કો બાગ પ્યારી ગઈ.

ધરી રત્નાકરી સાડી સજેલી સુંદરી શામા,
ધરા ધૂરંધરા અર્પું હવે ના ધીર ધારી ગઈ.

સહજ સહજે રીસાવું શું સહજ સહજે અહો પ્યારી,
ધરે છે મન શા કાજે હવે વાય તે વિકારી ગઈ.

લઇ મંદારની માળા ગ્રિવા ગોરી ઉપર અર્પું,
અહો ત્યાં એ વિધીની રેખ પર શું મેખ મારી ગઈ.

અહીં લહિ વાટડી તારી રહી મુજ સંગ સેવાર્થે,
સખી શાણી હવે થકી વસંતે જો વિચારી ગઈ.

રહ્યો છું વિર્હ – દાવાગ્ની તને સંભારિ રોયો હું,
જગતને પોક મૂકીને મને કોયલ વિસરી ગઈ.

ન થાએ નેહ તે સારો, વિરહ બૂરો પછી થાએ,
કંઈ શાણા હઝારોની મતી એ માંહિ મારી ગઈ.

કવિતાની જરબ પર તર્ક પાસેથી શુકન જોઉં,
કંઈ મસ્તાન પોથી ફાલ કાજે નિત વિચારી ગઈ.

વિરહમાં પ્યારિનાં ગાનો સુણી થઈ મસ્ત કહેતો बाल,
બલા સર્વે હમારી ગઈ બલા સર્વે હમારી ગઈ.


0 comments


Leave comment