10 - અલૌકિક બહાર / બાલાશંકર કંથારિયા


રાગ – લાવણી
(‘નાજુક પુતલી’ – નો રાહ)

તે દિનનો પ્યારી બ્હાર અલૌકિક દિલડાથી વહિ ગયો ગયો,
મહત મનોરથ મનનો મનમાં મન મહરમ રહિ ગયો ગયો.

નજર પડી નાજુક નૂતન નવનિત સમ પરપદ પાનિ પરે,
મન માતંગ મહત મોહપાશે, મસ્તાનો ગ્રહિ ગયો ગયો.

નજર પડે જ્યાં ત્યાં અલબેલી આનંદની દ્યુતિ દમકે છે,
રે ! તે ભ્રમણામાં ભ્રમતો ચિત્ત ચોર લંપટ વહિ ગયો ગયો.

આંખડલીની મિટડીની માંડી ભરજોબન મુખ નિરખિ રહ્યો,
રે ! પ્રીતમ તરછોડ્યો ત્યારથિ, અધવચ હું રહિ ગયો ગયો.

અલક અતર બ્હેકી બ્હેકાવ્યું આ દિલ દાવો છોડિ ગયું,
મસ્તીમાં તેં મુજ મુખ ચૂમ્યું તે રસ મુખ રહિ ગયો ગયો.

મુક દઈ મુજને પિયુષપયાલો પ્રેમ ભરી પાયો પુર એક,
રસ મધુરો અંતરમાં ઠરિ કરિ મસ્ત ખરો રહિ ગયો ગયો.

સાચેસાચિ સજન કહિ દે પળવાર ઝલક મળશે કે નહિ,
નહિ તો સાચી સ્નેહિ સમજી લે જીવનજંત્ર વહિ ગયો ગયો.

મિત્રવિરહથી કોમળ કરમાયું દિન હા ! વહિ ગયો ગયો,
હૃદયકમળ સૂકી જઈ પ્યારી ખુશબહાર વહિ ગયો ગયો.

પ્રથમપૂર્ણ પ્રેમનું કરિ પોષણ પાછળ પ્રિતમ પ્રપંચિ થયો,
પ્રેમિ અંતર કેવું કપાયું સજન દાગ રહિ ગયો ગયો.

મુકવત નિત મૂંઝાવું મનને દિન ક્યમ આવું કદી જઈ,
અંતર છાની ક્યમ કહેવાયે તે વિવેક વહિ ગયો ગયો.

અકળ કે આ તુજ વિકટ હું આવું તવ મોહન દરબારે,
ઘડિ ઘડિ એવું મારે જોઇયે તે ખટકો રહિ ગયો ગયો.

તુજ મુખ જોતાં શો કરાર મુજ દિલમાં વળતો ખબર તને,
હાંસી એ તુજમાં વડિ ખાંપણ કોણ નજર ગ્રહિ ગયો ગયો.

શો અપરાધ અજાણે જાણે તુજને પડિયો મન પુનિત થાકી,
કે હું આવતો જાણતો દૂર પ્રિતમ વહિ ગયો ગયો.

નયન નિમજ્જનનું સૌરભ જળ લઇ લઇ છાંટું છું ભાલે,
નસીબ ઉંઘતું જાગે પણ વિધિ અક્ષર વહિ ગયો ગયો.

માટે પ્રીતમ પણ તારે ચઢવાનો નહીં દ્વારે હું,
ભલે કહો ઉન્મત્ત અજાણ્યું જગત बाल વહિ ગયો ગયો.


0 comments


Leave comment