60 - પદ - ૫૧ - બ્રાહ્મણ કોને કહેવો ? / દયારામ


બ્રાહ્મણ કોને કહેવો ?

કદિ વિમુખ હોય ગુણ ભંડારજી, તે સહુ ગુણને છે ધિક્કારજી;
કદિ હરિજન મહાદોષની ખાણજી, તદપિ વર સાધુ તે જાણજી. ૧

બ્રાહ્મણ થઈ સાધે હરિ ભક્તિજી, તેહને તુલના જન જક્તજી;
સાચા બ્રાહ્મણ કહાવે તેહજી, કૃષ્ણ બ્રહ્મને જાણે જેહજી. ૨

ઢાળ

જે બ્રહ્મ જાણે તે જ બ્રાહ્મણ, જન્મ સાચો શુદ્ધ;
સંસ્કારથી દ્વિજ વેદાભ્યાસે, વિપ્ર માને બુદ્ધ. ૩

હરિ લહે તે શ્રુતિ ઊચિત બ્રાહ્મણ, બીજા કહેવા માત્ર;
જ્યમ પયપીયુષ કહેવાય પણ જીવે મૃતક નવ માત્ર. ૪

એમ સુણી બોલ્યો શિષ્ય, બ્રાહ્મણ સર્વ સરખાં પાત્ર;
એ ઈશ્વર કેરાં રૂપ તે કયમ, કઠણ કરવા માત્ર ? ૫

એમ સુણી શ્રીગુરુ ઉચ્ચર્યા, તુ સમજતો નથી બાળ;
સુણ્ય શંકર સ્વામી વજ્રસૂચિ ગ્રંથે કહ્યું તત્કાળ. ૬

જો કહેશ બ્રાહ્મણ દેહ તો, સંભવ સંકટ જાગે;
સુત પ્રજાળે પિતૃ દેહ ક્યમ, નવ બ્રહ્મહત્યા લાગે ? ૭

જો કહેશ આત્મા બ્રાહ્મણ છે, નહિ સંભવે નિરાધાર;
આત્મા દયા પ્રભુ વ્યાપક, બ્રાહ્મણ સહુ સંસાર. ૮


0 comments


Leave comment