14 - દરકાર / બાલાશંકર કંથારિયા


ગઝલ –તિલક અથવા નટ

હું કરું છું યાર યાર યારને દરકાર લગાર;
ખ્વાર છું ભરપ્યારમાં યાર ન ઈન્તિઝાર લગાર.

ઘડી ખફા ઘડી ખુશી ઘડીક ગુમાની મિજાજ;
મરજી તમારી સાચવ્યે છું યાર ન કરજદાર લગાર.

હઝાર ગુલે લાલા લઇ આવીને બતલાવશે;
રંગ આ દિલ દાગનો યાર નહીં ગુલઝાર લગાર.

મહાલક્ષ્મિ મુકટ મરકત કરવા ચહે મુજ મન;
દરકાર નથી કાંઈ થશો યાર ન દગાદાર લગાર.

મન કીર અલક જાળમાં ફસિયું ગતી કશી;
લઇ દામ નિપટમાં કરે યાર ન સારવાર લગાર.

યાર બેદરકાર સમું દુઃખ શું દુનિયાં મહીં ?
અંતર કોઈ તણો ભંગ યાર ન થાય વાર લગાર.

બસ દઈશ ગાળ કહિશ કંઇક મર્મ વાણિમાં;
વાત હુકુમમાં કરિશ યાર ન અર્જદાર લગાર.

નિર્દય હદયકપાટ નહિ ઉચાટ કંઈ દિલે;
કોમળ યશ કામિની યાર ન ખબરદાર લગાર.

મનસૂરને તનડે રુધિર વહ્યું હતું પ્રિય નામનું;
મુજને તને પ્રતિરોમ ઝાંખી થાય છાપ વાર લગાર.

કંઈ સાચું કહે છે રે તને મસ્તાનના સોગન;
મનસૂરના સોગન તને પ્રુરસદ ન મળે વાર લગાર.

ઝુલેખા તણા સોગન તને યુસૂફના સોગન;
ઘર આવશે એકવાર કે યાર નહીં પળવાર લગાર.

હાફેઝના સોગન તને ફરહાદના સોગન;
બતલાવશે મુખ માધુરીની છટક એકવાર લગાર?

અધર અનમ ટેકિમારી ગરદનના સોગન;
ઝટ આવરે ઝટ આવરે મુજ પ્રાણ ન ખબરદાર લગાર.

નહીં તો તને છે કુટિલ તારિ વાણિના સોગન;
બતલાવ રે બતલાવ રે તે યાર નિઘાહ બાંકિ લગાર;

ફરહાદ શું હિસાબ માંહિ ભેદું ઘડિકમાંહિ વ્યોમ;
બાલને કંઈ પા રે સજન તુજ મદિરાવાર લગાર.


0 comments


Leave comment