31 - ચલે ચાલ મતવાલી / હરિશ્ચન્દ્ર જોશી
અવધૂ, ચલે ચાલ મતવાલી
માયાનગરીમાં ઘૂમે છે
અલખ આંગળી ઝાલી...
ગેબ તોળીને ચીપિયા વચ્ચે
ઘૂઘરે શૂન્ય રમાડે
મૂંડ ધુણાવી, જટા ઝાટકી
ભસ્મ સુગંધ પમાડે;
નાથ નિરંજન અવિરત વહેંચે
કદી ન ઝોળી ખાલી...
રોમ રોમ વેરાગ લપેટે
રંગેરાગ લૂછીને,
છાતી વચ્ચે ધૂણી રમાવે
શ્વાસ સમિધ મૂકીને;
અધખૂલી આંખોથી પ્રગટે
વાણી શ્વેત-મરાલી...
0 comments
Leave comment