32 - તરબતર તરજ / હરિશ્ચન્દ્ર જોશી


ભાંગતી રાતની તરબતર છે તરજ,
નાભિની ખરલ પર ઘૂંટવી છે પરજ.

અંશ નાનો ભલે વંશ છું તેજનો,
આભ નીચે નમે હોય એને ગરજ;

ગોમુખી, ટેરવાં, જાગરણ ને સ્મરણ,
રામને ચોપડે આપણી આ વણજ;

મૌનના વસ્ત્રને રંગવા સૂરથી,
કંઠથી ઊપજે છે કબીરી ખરજ;

નાદ કરતાલનો ઝૂલણાં ઝૂલતો,
શબ્દમાં અવતરે એટલી છે અરજ;

ગહવરે પેસવું, ટોચ જઈ બેસવું,
દત્તના ડુંગરે સાંપડી છે સમજ;

ના વિમાસણ વળાંકો અને માર્ગની,
તું કહે ‘આવ’ ને શ્વાસ મૂકું સહજ.


0 comments


Leave comment