39 - રણઝણ બજે તંબૂર / હરિશ્ચન્દ્ર જોશી


ગૂંજે તરપના સૂર ધીમે સાંભળો.
ઝરણાનું ઉર-સંતૂર ધીમે સાંભળો.

વાતો નિખાલસ પાન ને પંખી કરે,
મૂકી બધા ફિતૂર ધીમે સાંભળો;

એની જ છે રહેમત કશા કારણ વિના,
વરસી રહ્યું છે નૂર ધીમે સાંભળો;

અષાઢના પખવાજ પર ધમકે પરન,
લયનું વહે છે પૂર ધીમે સાંભળો;

આલાપશે હમણાં જ આખું વાંસવન,
છે મલય ગાંડોતૂર ધીમે સાંભળો;

પાઠાવલિ ગોપી કનેથી પ્રેમની,
શીખી રહ્યા અક્રૂર ધીમે સાંભળો;

કોલાહલો વિરમે સકળ એ શર્ત છે,
ઝમકે કીડી – નુપૂર ધીમે સાંભળો;

વાંચો મીરાંને કાનની પાસે ધરી,
રઝઝણ બજે તંબૂર ધીમે સાંભળો;

ને જિંદગીના છંદ-લય થંભી ગયા,
આ શ્વાસ ચાલ્યો દૂર ધીમે સાંભળો;


0 comments


Leave comment