68 - પદ - ૫૯ - પ્રેમભક્તિની ચાર અવસ્થાના દશ ભેદ / દયારામ


પ્રેમભક્તિની ચાર અવસ્થાના દશ ભેદ

દગરુચિ સ્મૃતિ અભીલાષોદ્વેગજી, પ્રેમાવસ્થા એ ચો નેગજી;
આસક્તિ ત્રિવ્યાધિ પ્રલાપજી, ઉન્માદસહ ત્રીજી અલાપજી. ૧

વ્યસનાવસ્થા જડતા એકજી, અપર મૂરછનારહિત વિવેકજી;
તન્મયતાની અવસ્થા એહજી, મૃત્યુસદૃસ પણ છૂટે ન દેહજી. ૨

ઢાળ

પ્રેમની ચાર અવસ્થાના દૃષ્ટાંતો

દેહ છૂટે નહિ એ દશ, અવસ્થા કેહેવાય;
જો વિસ્તારી વર્ણન કરું તો, ગ્રંથ વાધી જાય. ૩

જળ સ્વાતિ ચાતક પ્રેમ છે, આસક્તિ ચન્દ્ર ચકોર;
છે વ્યસન વારી મત્સ્ય ત્રણ, ઉદાહરણના ઠોર. ૪

હવાં કહું અતિસંક્ષેપ શ્રવણાદિક ક્રમ કરી માહાત્મ્ય;
અણુ માત્ર અંતર ઉતરે, તો પ્રસન્ન થાય પરમાત્મ. ૫

શ્રવણ ભક્તિનું ફળ

એક વાર નામ કરણ વિષે, શ્રીકૃષ્ણ પડતાં માત્ર;
જ્યમ શર્દસંગે જળ અમલ, ત્યમ સદા શુચિજન ગાત્ર. ૬

હોય શ્વાદ તદપિ દિક્ષિતનો, અધિકાર તેને થાય;
શ્રી ભાગવતમાં કહ્યું છે, જો કદી શંક ભરાય. ૭

વળી વદ્યાં શ્રીમહાલક્ષ્મીજી, શ્રવણ મહાત્મ્ય અપાર;
જન દયાપ્રીતમ કૃષ્ણ એટલું, સાંભળ્યું એકવાર. ૮


0 comments


Leave comment