73 - પદ - ૬૪ - કૃષ્ણચરણમાં મન એકવારજી / દયારામ


કૃષ્ણચરણમાં મન એકવારજી, જો દીધું મધ્યે અવતારજી;
તો સ્વપ્ને યમ દૂત ન જોયજી, પ્રકટ પેખવા ક્યાંથી હોયજી. ૧

સદા કરે ચિંતન પ્રભુ કેરુંજી, તે જન દામોદરનું ડેહેરૂંજી;
સહજ સદા શ્રીજીમા મન્નજી, સકલ સફલ પૂરણ સાધન્નજી. ૨

ઢાળ

સાધન પૂરણ સ્નેહ સહિત, જો બને શ્રીહરિ સેવા;
તે અગ્ર સર્વે મંદ, દિનકર ઉદે દીપક જેવા. ૩

અર્ચન ભક્તિ

સાધન અવર શિર આપણું, પણ શ્રીજીને શું સુખ;
શુશ્રુષામાં ઉભય આનંદ, માટે ભજન મુખ્ય. ૪

સેવા અને તેનું ફળ

સર્વાત્મભાવે પ્રભુ સુખી, કયમ થાય એ અભિલાષા;
સેવાનું ફલ સેવા જ ઈચ્છે, સુખ અવર નહિ આશ. ૫

સેવામાં સ્નેહનું પ્રાધાન્ય

મન લોક વેદની લાજ નહિ એક કૃષ્ણ પ્રિયસું પ્રેમ;
પતિ પ્રસન્નતા સાધવી અચલિત ઉર એ નેમ. ૬

માનસી સેવાની મુખ્યતા

માનસી સેવા મુખ્ય પણ મન વ્યસન ઉપજે થાય;
ત્યાં સાધન બલ પહોંચે નહિ ફલ કૃપા જો ગુરુ રાય. ૭

સેવા અને પૂજાનું મહાત્મ્ય

સેવા ન કહાવે સ્નેહ વણ, પૂજન વેદ પ્રમાણ;
લહિ દયા પ્રભુમય જગત્ સહુ સંતોષ અર્ચન જાણ. ૮


0 comments


Leave comment