77 - પદ - ૬૮ - ભક્તિના અભાવે અન્ય ગુણોની નિષ્પ્રયોજનતા / દયારામ


ભક્તિના અભાવે અન્ય ગુણોની નિષ્પ્રયોજનતા

તેજસ્વી હોય સૂર્ય સમાનજી, ગણપતિ સરખો મહામતિ માનજી;
આનંદ શીતલ સમ ચંદ્રજી, વૈભોગી તો બીજો ઇંદ્રજી. ૧

દ્રવ્યવંતતો તુલ્ય કુબેરજી, અચળપણામાં તુલના મેરુજી;
રૂપવંત તો જેવો કામજી, અર્જુન સરખો ધીર સંગ્રામજી. ૨

ઢાળ

સંગ્રામવાદે સુરગુરુસમ, જનક જ્ઞાને પૂર;
દેવી ક્ષમા સરખો ક્ષમી, મુનિ રોમ હરષાતુર. ૩

નૃગ કર્ણ સમ દાનેશ્વરી, ગંભીર સિંધુસમાન,
વિક્રમ સરખો યશસ્વી, સત્યવાદી શિબિ નલ માન. ૪

કવિ શુક્ર સમ, ધર્મી યુધિષ્ઠિર, વાયુસમ બલવંત;
સમ સિદ્ધ સહસ્ત્રાર્જુન, ઇત્યાદિક સુગુણ અનંત. ૫

ગુણો તથા વિદ્યાની પ્રકાશક ભક્તિ

સત્કુલ જન્મ સત્કર્મે લક્ષણ, ન્યૂન નહીં કશી વસ્ત;
એક શ્રદ્ધાભક્તિ પ્રેમ વ્રજપતિ, વિના સહુ શ્રીઅસ્ત. ૬

ચો ચૌદ ષટ નવ અષ્ટાદશ, ભણી કર્યું સઘળું ટોલ;
શ્રી કૃષ્ણ ભક્તિ નથી તો સમજવો દ્વિજ ચંડોલ ૭

ભક્તિ વગર કલ્યાણની અસિદ્ધિ

નહીં વેળુ પીલે તૈલ કદિ, જલ મથે નવનીત ન્હોય;
ત્યમ દયાપ્રીતમ કૃષ્ણભક્તિ વિના ભદ્ર ન જોય. ૮


0 comments


Leave comment