81 - પદ - ૭૨ - ગજસગ્રાહ ને ગીધ ખગજાતિજી / દયારામ


ગજસગ્રાહ ને ગીધ ખગજાતિજી, વ્યાધ વળી કુબ્જા જગખ્યાતિજી;
યજ્ઞ પત્નીનો સહુ વ્રજગોપીજી, ભક્તમણી સત્સંગે ઓપીજી. ૧

પ્રકટ્યો ઇત્યાદિક હરિ રંગજી, પ્રભુ પામ્યા કેવળ સત્સંગજી;
સંગ સંતનો વ્યર્થ ન જાયજી, અલ્પમાત્ર પણ અતિ ફળદાયજી. ૨

ઢાળ

ફળ અતિ સહજ સત્સંગથી, તરિયો અજામિલ પાપી;
સુત નામ નારાયણ ધરાવી, ભુક્તિ મુક્તિ આપી. ૩

પવન વિથી ઉદક અતિ અશુચિ, જહાં મળ્યું જઇ જળગંગ;
ગંગા થયું તે સહજ સહજ, જો બલ મહદ્ પ્રસંગ. ૪

સત્સંગના ફળ આગળ સ્વર્ગસુખ તથા મોક્ષની તુચ્છતા

હરિ સંગી સંગ સમાન લવ, સુખ નાક નહિ નિર્વાણ;
તો મૃત્યુલોકનું મૃષા સુખ તે, કરે કથન કોણ ? ૫

સુર્દ્રુમ હરે દરિદ્રતા, શશિ તાપ, ગંગા પાપ;
તે ત્રણે સાધુસંગ સદ્ય, હરેજ અતુલ પ્રતાપ. ૬

વૈષ્ણવની વૃક્ષ સાથે સરખામણી

હોય વૈષ્ણવ વૃક્ષ સમાન, ગુણ, પરસુખ કરે, નહિ કલેશ,
નખશિખ લાગી પરમાર્થ સહુ, સ્વાર્થ નહિ લવલેશ. ૭

વણ વાંક દે દુષ્ટ મારે દુર્વચન ઉર બાણ;
રતવી દયાપ્રીતમ કૃષ્ણ માગે, તેનું પણ કલ્યાણ. ૮


0 comments


Leave comment