2 - દર્શનેચ્છા / બાલાશંકર કંથારિયા


રાગ- સદર ગઝલ

દિલદારના દર્શન વિના બીજું મને ગમતું નથી,
પુતળી પઠે નજદીકમાં બેઠા વિના ગમતું નથી.

મુખચંદ્ર ઓપે ઝળહળી ઝરતું સુધા જ્યાંથી વહી,
તે મુજ ચકોર ગરીબને પીધા વિના ગમતું નથી.

કુદરત તણી બલહારિના હું રમું રંગીલો રંગમાં,
પણ હાય ! ભરછક રંગને છાંટ્યા વિના ગમતું નથી.

છો માહરા નોંધે ગુન્હાઓ નિંદકોનો દફતરી,
પણ મસ્ત તુજ દરબારમાં આવ્યા વિના ગમતું નથી.

એક જો તું દે ચુંબન મને તો કરું કવીતા ફાંકડી,
પ્યારી તહારા ગૂણનાં ગાયન વિના ગમતું નથી.

મોંઘેરા તુજ ચુંબન થકી મોંઘી કવીતા માહરી,
પણ લેખણીને તુજ છબી લેખ્યા વિના ગમતું નથી.

શો મોહ દુનિયાનો કરું, દુનિયાં દિઠી દોરંગિ મેં,
પણ માહરે તો તાહરા એક રંગ વિના ગમતું નથી.

ખટકી ખટક કર્પુર કરે ઝટકી ઝટક અંચળ તણી,
છટકી છટક કળ કાળજાની, કળ વિના ગમતું નથી.

તુજ ગૌર શીતળ સ્વચ્છ શર્વરિ શરદ શર્વરિનાથના,
પીયૂષશી ગલબાંહ તે નાંખ્યા વિના ગમતું નથી.

એ તાહરી આશા દિગંતી રેખ સમ પીડા કરે,
રે ક્ષણ પ્રતિક્ષણ મધુર મુખ નીરખ્યા વિના ગમતું નથી.

અંતર દવાનળ જવાળથી કરું ભસ્મિભૂત આખું જગત,
પણ બાગ તે તુજ ખેલનો રાખ્યા વિના ગમતું નથી.

કંઈ સ્વાર્થ કે કારણ તહારા પ્રેમમાં મારે નથી,
પ્રેમનું કારણ પ્રેમ, તે વીના બીજું ગમતું નથી.

શો સ્વાર્થ બુલબુલને ગુલાબી રંગમાં આવી વસ્યો,
એણે ઘડીભર રંગ તે જોયા વિના ગમતું નથી.

ઝાઝું ન માગું હું ચહું ઘડિ એક મળવા કોટમાં,
પણ લેખતી ન હિસાબ તું, રોયા વિના ગમતું નથી.

પ્રતિરાત્રિભર તુજ ભ્રાન્તિમાં પોકાર बाल ઉંડા કરે,
ગમતું નથી, ગમતું નથી, આખું જગત ગમતું નથી.


0 comments


Leave comment