8 - ભણકારા / બાલાશંકર કંથારિયા


લાવણી
(‘જબસે મિલી તેરે દરકી ખાક સંદલકા લગાના છોડ દિયા.’- એ રાહ)

ઘડી ઘડી ભણકારા ભામિનિ ઉડિ આકાશે આવે છે,
અલક અતરના ભભકાર સુગંધી લહરિ લહકતી આવે છે.

સજી રહું તૈયાર સજન હું મન મહેરમ અહિં આવે છે,
મૃદુ મુખડાનિ અનેક કલ્પના વિવિધ રંગ બતલાવે છે.

આગમ આશા પ્રીતમની પ્રેમીનું મન તરસાવે છે,
અરે અકથ આરત આરતની કોણ સજન મન લાવે છે?

પત્રાક્ષર પ્રીતમના પામું મન આશા દોડાવે છે,
અરે મફત લહરી મસ્તાની કહિ દે કેમ ઉડાવે છે?

અથવા સ્નેહભર્યો સંદેશો મુજ પ્રિયતમ કંઈ કા’વે છે,
પ્રેમપંથ ની ગલી કુંચી કંઈ તુજ સાથે સમજાવે છે.

પલક એક પ્રીતમજી અમને સંભારી મન લાવે છે,
અશ્રુપુષ્પ જે ભેટ મોકલ્યાં પ્યારી અલક ઘરાવે છે.

ભરજોબન મદભરી કિશોરી ગુમાન શું મન લાવે છે,
ખબર પડી કે નથી પડી અમ દુઃખનિ ક્યમ તરસાવે છે?

પરમ પ્યારિને અંગ સ્પર્ષ કરિ આવિ ભલી તું ભાવે છે,
નિશા હઝાર નિશાની લાવે મગજ મસ્તિમાં આવે છે.

અજબ સુગંઘી મ્હેંદીની તુજમાં મજબુત મ્હેકાવે છે,
પરિચારિકા તું પ્રિયપદકેરી એવું મુજ મન આવે છે.

કહિશ તને સઘળા અંતર જે તરંગ ઉઠિ ઉઠિ આવે છે,
પ્રિયમંદિરમાં તું માણંતી કંઈ ન હવે શક આવે છે.

અકળ કે આ તુજ વિકટ હું આવું તવ મોહન દરબારે,
ઘડિ ઘડિ એવું મારે જોઇયે તે ખટકો રહિ ગયો ગયો.

તુજ મુખ જોતાં શો કરાર મુજ દિલમાં વળતો ખબર તને,
હાંસી એ તુજમાં વડિ ખાંપણ કોણ નજર ગ્રહિ ગયો ગયો.

શો અપરાધ અજાણે જાણે તુજને પડિયો મન પુનિત થકી,
કે હું આવતો જાણતો દૂર પ્રિતમ વહિ ગયો ગયો.

નયન નિમજ્જનનું સૌરભ જળ લઇ લઇ છાંટું છું ભાલે,
નસીબ ઉંઘતું જાગે પણ વિધિ અક્ષર વહી ગયો ગયો.

માટે પ્રીતમ પણ તારે ચઢવાનો નહીં દ્વારે હું,
ભલે કહો ઉન્મત અજાણ્યું જગત बाल વહિ ગયો ગયો.


0 comments


Leave comment