103 - પદ - ૯૪ - ચરણામૃત માહાત્મ્ય / દયારામ


                            ચરણામૃત માહાત્મ્ય

     પાદોદક શ્રીહરિનું સારજી, સકલ તીર્થ શુચિતાગારજી;
શિર ધરિ શ્રદ્ધા જે કરી પાનજી, નહિ પવિત્ર કો તેહ સમાનજી. ૧

કોટ્યવિધિ તીર્થ તે પાસજી, હિંસા કોટિ સદ્ય વિનાશજી;
સહુ પાતિક પ્રાયશ્ચિત પીધુંજી, કૃષ્ણ પદામૃત ધરી શિર પીધૂંજી. ૨

                               ઢાળ

  પીધે પદામૃત શીર્ષ ધાર્યે, શ્રદ્ધા સહ ગોપાલ;
આશૌચ ઉભયેપિ અડે નહિ પુનિત તે સહુ કાલ. ૩

   અશુચિ અનાચારી મહાકલિમલ તણો ભંડાર;
તે પણ શુચિ હરિપાદોદક, કરતાં સ્મરણ લગાર. ૪

સહુ તીર્થ સરિન્મજ્જન દર્શ, કીર્તનનું ફલ પણ હોય;
શુચિ કોટિ પ્રાયશ્ચિત ન તે શુચિ , સદ્ય હરિપદ તોય. ૫

શ્રીકૃષ્ણ સ્નાનોદકે, ભીજી મૃદાશન જે શીશ;
તે સંત જીવન્મુક્ત રૂપ, હૃદે સદા જગદીશ. ૬

   અકથિત અદ્ય સંચિત બહુ, સહુ મૂલ પ્રલય થાય;
ન અકાલ મૃત્યુ ન રોગ રુજ, હરિ અંઘ્રિઉદ પીવાય. ૭

  શિવ શિશ શ્રીગંગા અચલ તે પ્રભુ પદામૃત માટ;
જન દયાપ્રીતમ કૃષ્ણપદ પયથી તીર્થ સહુ ઘાટ. ૮


0 comments


Leave comment