106 - પદ - ૯૭ - હરિનું અખિલ કર્તૃત્વ / દયારામ


હરિનું અખિલ કર્તૃત્વ

સુખ દુઃખ કર્તા સઘળું કાનજી, પૂછ્યું તે કહો કથા પ્રમાણજી,
સર્વે કર્તા હરિ સમર્થજી, બીજા કર્તા કહે સહુ વ્યર્થજી. ૧

સુખ દુઃખ મળવાનાં બહુ દ્વારજી, પ્રેરક સહુના નંદકુમારજી;
દક્ષ ન દે કોઇને ગુણ દોષજી, તેજ બાલ કય્હૌં રીઝે રોષજી. ૨

ઢાળ

શો રોષ રીઝ શુક, યંત્ર મર્કટ, દારુ, દારા બાળ;
એ સર્વ પરવશ તેમ પરવશ, સકલ જગ ગોપાલ. ૩

છે કર્મ કાળ સ્વભાવ ગ્રહ, મન જીવ કહેવા માત્ર;
હરિ કરે સહુ શિર લે ન એ ગુણદોષ ગ્રાહક પાત્ર. ૪

ભગવાન જ સુખદુઃખના કર્તા

કર્મ જડ જ્યમ લેખું વહિમાં, વાચકને આધીન;
તે જ્યમ ઇચ્છે ત્યમ કરે વિભૂ કરણી સ્થાવર દીન. ૫

નથી કાલ પણ સ્વાધીન, હરિબલ ધ્રુવે ચાંપ્યો પાય;
વણ અવસરે વસ્તુ પ્રકટ ક્યહું, શૂન્ય સમય પણ જાય. ૬

પ્રકૃતિ અટલ તે સત્ય પણ, હરિ ફેરવે બહુ જન;
તે પણ હરિ વશ ઠરી કે નહિ તે જો વિચારી મન. ૭

ગ્રહ પણ ન કલેશાનંદ કર, દયાપ્રીતમ તેજ પ્રમાણ;
જુઓ બાંધ્યા છોડ્યા રાવણ નવ તવ રુઠ્યું ત્રુઠ્યું કોણ. ૮


0 comments


Leave comment