80 - દ્વાર / ચિનુ મોદી


      ખાલીખમ અંધાર
ભૂખરેલા ધુમ્મસથી ભીંજે
     ભર્યો ભર્યો સૂનકાર
     ખાલીખમ અંધાર.

છાનું જોતું પછીતમાંની પીંપળ પરનું પાન
હવા ઉલટથી ઉલૂકના મુખમાં મૂકે છે થાન;
ચાંદરણાં શાં ફીણ ઓગળે
       મર્મરની મોઝાર
       ખાલીખમ અંધાર.

ઉલૂકની પાંખે બેસીને મર્મર ઉડતો થાય
બંધ કરી વાતાયન બેઠો તોય હૃદય અકળાય;
લંબાતી પીંપળની ડાળી
       ખોલે ભીતર દ્વાર
       ખાલીખમ અંધાર.


0 comments


Leave comment