82 - છોડ / ચિનુ મોદી


મારા ઘર પછવાડે ઊગ્યો અંધારાનો છોડ
લીલી એની પાંદડીનાં કૂણાં કુંવારા કોડ.

રાત પડેને છોડે બેસે ઢગલો ધોળાં ફૂલ
ફૂલ ખરે દા’ડે પણ ઝૂલે ભૂરી એની ઝૂલ.

કાચાં ફળ બેઠાં ના બેઠાં ઉલૂક મારે ચાંચ
ફળ પાકે તો ઉલૂક જાણે નિજને આવે આંચ.

અંધારાના અણબોટાયા ફળની મુજને આશ
ઉલૂક પર એથી મેં નાખ્યો ઝાકળભીનો પાશ.

પાશ લઈને ઉલૂક ઊડ્યું, બેસે જઈ આકાશ
ઝાકળભીનો સૂરજ ઊગ્યે પ્હોંચી મારી આશ.

મારા ઘર પછવાડે રડતો અંધારાનો છોડ
રાતી મારી આંખડીનાં કૂણાં કુંવારા કોડ.


0 comments


Leave comment