83 - કુતૂહલ / ચિનુ મોદી


જે હતું કેવું હતું
ઊ કુતૂહલ : એક કોલાહલ
પ્રેતયોનિ સામટી ચીસ્યા કરે છે
ખાલી ખાલી ખોપરીમાં હાડનાં પિંજર
મને પોપટ બનાવી પુરવા મથતા
અને હું, સાવ સૂકા
આમ તો લીલમલીલા મરચાની આશે
છેક પાસે જાઉં છું
ને બાર ગાઉં છેક છેટો જાઉં છું
ને ખાલી ખાલી ખોપરીમાં
હાડનાં પિંજર વસેલાં કેટલાંયે લોકના
લાંબા થયેલા હાથને, હાથમાંથી અંગુલિના
લોહનખને, લોહનખ જેવાં વીતેલાં
કે પછી વ્હેવાં પડેલાં પાણીને
કે પાણિને
ખાલી ખાલી ધૂણવા જેવું વીંઝાતા જોઉં છું
ના, મને કોઈ કુતૂહલ પણ નથી
જે હતું કેવું હતું ?
જેવું હતું તેવું હતું
એમ કહેવાનોય કોઈ લોભ ના
તો પછી જે આવતીકાલો પુરાઈ છે
જન્માક્ષરે, એની જાણનું ઘેલું ?
બાર ઘરમાં હું પૃથક જોવા મથું છું જાતને
કમજાતને.
ફાંફા.
ઓરડામાં એક ભીંતે મૃતપિતાનો પોઝ છે
અગિયાર ઉપર પાંચ ચાલુ ‘કલોક’ છે
ડિસ્ટર્બ કરતો આ કબાટે આયનો છે
ચૂપ એવો રેડિયો ને રેડિયો પર ‘વાઝ’ છે.

લેમ્પના આછા પ્રકાશે નોટના પાને
હાલે છે એક છાયા
એને કદાચિત પ્રાપ્ત છે મ્હારી જ કાયા
બોલ બેટા મન સુખા
ઓ તન સુખા
કંઈ બોલ મારા બાપ
અડધું વેણ, ફફડતા ઓઠ
પાણી
માત્ર પાણી, એક પ્રાણી
પ્રાણધારી એક પ્રાણી
હટ્ટ સાલા શબ્દના સાંઠા
તું જ નાલાયક રચે છે
ઈન્દ્ર જેવું વિશ્વ.

એમ તે લોચન વગર ક્યાંથી થવાશે શિવ ?
પોલા પ્હાડ નફફટ હાથને
પકડીને બેઠો ક્યારનો ને તોય તે
ના હાથ આવી નાડ, માદરફાડ.

માટે કહું છું
જે હોય છે તે હોય છે
જે પછી ક્યારેક કહેતાં કાલ
કાલ કહેતાં આવનારી કાલમાં
કહેવું પડે છે
જે હતું.

ને સ્મરણના કાયરો ને યાદ ક્યાં છે
જે હતું કેવું હતું.

તો જે હતું તે ક ખ ગ ઘ
ને કેવું હતું તે ડ ચ છ જ
ઘ અને ચ જોડનારો ડ
તે ડ ને અક્ષરરૂપે મેં
જાણ્યો છે, શબ્દરૂપે ક્યાંય તે યોજ્યો નથી
યોજવા ઈચ્છું છતાં જે શક્ય ક્યાં છે ?

માટે કહું છું
જે હતું કેવું હતું
એનું કુતૂહલ રોક
જાળવીને જાતનેય ટોક.


0 comments


Leave comment