84 - શાખે / ચિનુ મોદી


ધ્રૂજતી દીપશિખા શાખે
તારી મૃદુ હથેળીમાં
આંકી રેખાઓને
હું
સ્પર્શ્યો’તો, પ્રિય.

ગયા જન્મના
અવળ સવળ સંકેતો
ક્ષણમાત્રમાં પામી
ભૂંસાયલા સંદર્ભોમાંનો
ઉકેલવા માંડ્યો’તો
અક્ષર અર્થ, પ્રિય....
કિંતુ ક્ષણમાત્રમાં
હવાનાં ચાંચલ્યોવશ
લીલી પાંદડી ખરતી.

બૂઝતી દીપશિખા.
બૂઝતી દીપશિખાની શાખે
મારું મૃદુ હથેલી
હથેલીમાંની ભૂંસાઈ ચાલતી
ઝાંખી રેખાઓને જોઉં,
પણ, સ્પર્શું નહિ હું, પ્રિય....


0 comments


Leave comment