85 - પાંદડું તોડીને / ચિનુ મોદી


પાંદડું તોડીને પછી ડાળખી બનેલ ઘેલી
       લાગણીના હોય નહીં પાળિયા;
તૂટતા એ લયને મારા લોહીમાં ફેરવું ને
       શ્વાસમાં આ નિર કોણે વાળિયા ?
       પાંદડું તોડીને.....

પગલું ભરું છું એક ઉંબરેથી આંગણે
       કે કોના પડછાયા મને રોકતા ?
ઘરની દીવાલ ચાર, આભ થઇ ફેલાતાં
       શ્વાસ મારા દોડતા ને દોડતા;
દદડે છે હાંફ પેલા મૌન જેવા હાડમાં ને
       પડઘાથી થાય એ અવાજિયા
       પાંદડું તોડીને....

ક્યારા કરીને કોણે વાળ્યો અવાજને
       વાજ આવું, આવું છું વિચારતાં;
બીજમાંથી છોડ અને છોડમાંથી ઝાડ થતાં
       ઊગે છે ડાળખીને પાંદડા;
પાંદડું તોડું છું અને ભીતરના રાફડેથી,
      ફૂંફાડી નાગ બહાર આવિયા
      પાંદડું તોડીને પછી....


0 comments


Leave comment