87 - શાપ / ચિનુ મોદી


આંગણામાં ઊભી હું વેઢા ગણું ને છતાં
       વેઢાથી નીકળે ના માપ,
તુલસીનો છોડ હતો એક વ્હેંત જેવડો,
       તે એક હાથ થાય એનો વ્યાપ.
નેણલાંના નીર જઈ સાગર સમાય અને
       ઊંડેરા થાય આપોઆપ.
       આંગણામાં ઊભી....

ઓસરતી વેળા અને સૂરજના ડૂબવામાં
       જોવાનાં હોય જો એંધાણ,
વીંઝાતા વાયરાની પીઠે ચડીને ધૂળ
       પળમાં બને છે જાણે પ્હાણ.
આંગળીની જેમ મ્હેં તો સાચવી છે વીંટી
       છતાં અણજાણ્યા જેવા થયા આપ.
       આંગણામાં ઊભી....

અવળા સવળા તે મને શમણાંઓ મુંઝવે
       ને મુંઝવણનું વિસ્તરતું રાન,
અફળાતાં બારણાં ને સૂનાં છે આંગણાં,
       ને આંગણામાં તૂટેલાં પાન,
તૂટેલાં પાંદડાંને, ડાળી થઈ જોવાને,
      પામી છું, આ તે કેવો શાપ
      આંગણામાં ઊભી.....


0 comments


Leave comment