88 - નીર / ચિનુ મોદી


અંધકારની આડ લઈને ઘેરું, ભૂરું નિર
પહાડ કાળા પ્હાડ લઈને સરતું સામે તીર.

રેશમીયાં જલ પર થીજેલી લીલીછમ શેવાળ
કૂણી પાંદલડીની ઝૂકી જાણે જલ પર ડાળ.

ડાળ ઉપરનું ઉલૂક જુએ : પોતે જલમાં ન્હાય
ડાળ મૂકીને ઊડે છતાંયે ભીની લાગે કાય.

ઉલૂકનો ભીનો પડછાયો ઓઢેલી દીવાલ
મારા ઉપર તૂટી પડતાં ચમક્યો હું તત્કાલ.

બંધ કરેલી આંખે બંદી કાળઝાળ અંધાર
રાન પશુ શો ધસતો ઉપર આંખ ઉઘડતાં વાર.

ન્હોર ઘસીને, ત્રાડ પાડતો લાંબી ભરતો ફાળ
ક્ષણક્ષણનું મૃત્યુ નીપજાવી જાણે સરતો કાળ

ક્ષણનાં શબને લઈને વ્હેતું રાતું રાતું નીર
અજવાળાની આડ લઈને સરતું સામે તીર.


0 comments


Leave comment