16 - ખબર લે / બાલાશંકર કંથારિયા


રાગ પહાડી – ગઝલ- તાલ દાદરો
(‘મારતા હું તેરે હિજ્ર્મે અય યાર ખબર ળે – એ રાહ’)

ઊતારના કંઈ પ્યાર એ દિલદાર ખબર લે,
ગમખ્વાર જીગરખ્વારની કંઈ યાર ખબર લે.

મસ્તાન ગુલેસ્તાનમાં હેરાન છે બુલબુલ,
ભર પ્યાર નથી યાર વફાદાર ખબર લે.

સમશાન સમું ભાન જગત ધ્યાન છૂટિયું,
હુશિયાર છું હુશિયાર સમજદાર ખબર લે.

તુજ વાન ગોરે ધ્યાન છે મન માનમાં હવે,
પરકાર છે દિલ યાર ખબરદાર ખબર લે.

કરૂ ગાન ગોરું વાન ઘુંઘટમાં ન રાખિયે,
પુરવાર કરું પ્યાર નિગહદાર ખબર લે.

મન માનતું નથિ માનતું નથિ ભાનમાં નહીં,
ગુલઝાર અલક તારમાં સરદાર ખબર લે.

મહેમાન કર્યો માનથિ અહેસાન છે દિલે,
તુજ પ્યારનો છું યાર કરઝદાર ખબર લે.

નિશિ માન અર્ધ વાન તારું ગાન ગાઈને,
વહિ ધાર આંસુ સાર વારવાર ખબર લે.

પટ અંચળે મુખ ચંચળે સુદગંચલેથિ છું,
દિલદાર ગિરફતાર ગિરફતાર ખબર લે.

રહે સ્વાર્થના પરાર્થનિ બળજો જુગારિ પ્રીત,
સહુ જાર છે સહુ જાર વખ્ત હઝાર ખબર લે.

કરી પ્રેમ કશો નેમ ઉરે કેમ ધારિયે,
કરનાર સુગમ પ્યાર બેશુમાર ખબર લે.

પિયુને સુખે સુખને દુખે દુખને ન જે ગણે,
નથી પ્યાર કુલાચાર સમજનાર ખબર લે.

મુજ ઊરનાં ભરપૂર આંસુ પૂરને હસે,
સરદાર પુર ગમારના સરદાર ખબર લે.

રસનો વિજોગિ ભોગિ રોગિ પ્રેમપંથનો,
રસસારના રમનાર પ્રાણાધાર ખબર લે.

ગતિ ન્યારિથી વિહારી ! રહ્યો હારિ હારિ बाल,
લાચાર છું લાચાર જુલમગાર ખબર લે.


0 comments


Leave comment