41 - ધૂળિયો વૈભવ / હરિશ્ચન્દ્ર જોશી
એક બોખી વાવને હોંકારતા.
ફૂટતી ઊંડા તળેથી વારતા.
આંખમાં વિસ્મયની ઝૂલે સીમડી,
કૈંક ભાભા ઢોર એમાં ચારતા;
મોરપીંછું લઈ ઊભા દરવેશજી,
ધૂળિયા માથા ઉપર પસવારતા;
ચાંચમાં લાવી ક્ષણોને હીરકચી,
સ્વપ્નને ચકલો-ચકી શણગારતાં;
પૂતળીના પ્રશ્ન પૂરા ના થતા,
પોપચે ઉજાગરો વેંઢારતા;
મ્હોર ના’વ્યા કોઈ આંબા ડાળ પર,
વારતામાં પોર કયો સૌ ધારતા ?
આંખ મીંચી દઈ પરીની ગોદમાં,
ફૂલ હોડી લઈ દૂરે હંકારતા;
સાંજનાં ખૂણે, સ્મરણને બાંકડે,
ધૂળિયો વૈભવ સહુ સંભારતા.
(સ્મરણ : પૂ. દાદીમાનું)
0 comments
Leave comment