43 - હું મને શોધ્યા કરું / હરિશ્ચન્દ્ર જોશી


હું મને શોધ્યા કરું છું આ નગરના લોકમાં.
એક દિ’ જ્યાં ગૂમ થયો’તો સાંજ સમયે ચોકમાં.

હાથમાં સરનામું લઈને ઝાંખી પાંખી યાદનું,
પૂછવું કોને, અહીં છે સર્વ ઘેરા શોકમાં;

આંખમાં થીજેલ ઘટનાઓ ભલેને પીગળે,
એ રીતે ભીના થવાશે આંસુઓને રોક મા;

કાલની અકબંધ મુઠ્ઠી ફૂલ શી ખૂલી ગઈ,
હું મને વહેંચી રહ્યો છું આજ થોકેથોકમાં;

ને હવે અહીંથી ઊપડવાની ઘડી આવી હરીશ,
ઊંચક્યા છે દૂર જાવા તું ચરણને ટોક મા;


0 comments


Leave comment