45 - કદાચિત્ / હરિશ્ચન્દ્ર જોશી


હા, મૌનની દીવાલો તૂટી હશે કદાચિત્.
કલરવતી ગીતપંક્તિ ફૂટી હશે કદાચિત્.

લીલા કુંજાર સ્પર્શો હાથોમાં સળવળે છે,
કૂંપળ શી આંગળીઓ ઊગી હશે કદાચિત્;

લાગું પ્રવાસમાં છું ધસમસતા વ્હેણ વચ્ચે,
મારામાં કૈંક નદીઓ છૂટી હશે કદાચિત્;

ઘરને સજાવ્યું કોણે ? ટહુકા, સુગંધ, શ્વાસે ?
અવસરની સાંઢણીઓ ઝૂકી હશે કદાચિત્;

ઝળહળ થયા છે દીવા મનના હરેક ગોખે,
ધીમેથી સાંજ ઘરમાં ઝૂલી હશે કદાચિત્;

આકાશ વિસ્તર્યું છે આંખોમાં હળવું હળવું;
સપનાંની રંગ પાંખો ખૂલી હશે કદાચિત્.


0 comments


Leave comment