9 - મનવ્રેહી / બાલાશંકર કંથારિયા


રાગ ધનાશ્રી ગઝલ – તાલ લાવણી

ઉઠઉઠ મનવ્રેહી મનવ્રેહી,
જઈ ખોળ પ્રાણસનેહી.

પ્રાણસનેહી પ્રિતમ વિના તું બની રહ્યો પરદેશી,
ધિ:ક્ ધિ:ક્ તુજને હઝાર ધિ:ક્ છે, થઇ રહ્યો બહુ કલેશી. ઉઠઉઠ

અચળ જેની અંતરમાં કંઈ પડિ શકવા નહિ પામ્યો,
નિશદિન છાતીએ છાજંતો પ્રીતમ દૂર વિરામ્યો. ઉઠઉઠ

રડી રડી તું બેસિ રહેને વ્હાલી કાંઈ વિરાજે,
વચમાં લહરી લહકંતો મહાસાગર ગર્જન ગાજે. ઉઠઉઠ.

મૃદુ મુખડાનાં મરકલડાં તું નિરખિ નિરખિ ખુશ રહેતો,
જે પ્રીતમડે પ્રેમથિ પોખ્યો તેણે મૂક્યો વ્હેતો. ઉઠઉઠ

પ્રીતલડીની રીતિ સહજ ગણિ કુદી કુદી મુદ પામ્યો,
પડી ખરેખરિ શિર પર જયારે ત્યારે ખરો વિરામ્યો. ઉઠઉઠ

મધુ મદિરાથી મધુર ગણીને હાળાહળ વિષ પીધું,
કોણ બારણે બેઠું તારે શું કરવા પણ લીધું ? ઉઠઉઠ

લોકવેદની કઠિન શૃંખલાસૂત્ર તારવત તોડી,
પ્રિયમુખદર્શન કાજ ગયો ત્યાં બેઠો પ્રિતમ મુખ મોડી. ઉઠઉઠ

પ્રેમમદીરા અનહદ નીશો મહતા જીરવવામાં,
પાર પડ્યો જેણે જીરવાયો નહિ તો ઉડ્યો હવામાં. ઉઠઉઠ

અરે! મને તો છબિ મધુરીનું દર્શન ક્યારે મળશે ?
તનડે તાવલિયો ધીકે છે તે દુઃખ ક્યારે ટળશે ? ઉઠઉઠ

પાસ બેસીને દુઃખની વાતો ક્યારે તે પુછિ લેશે ?
મુજ મુખમાં કોમળ મુખ દઈ અધરરસ ક્યારે દેશે ? ઉઠઉઠ

ક્ષણ પ્રતિક્ષણ અંતર દ્રવિ દ્રવિ થતું ગાઢ રુદન કોણ રોકે?
આંખડલીમાં તો આંસુ નહિ જિવને રોવું પોકે. ઉઠઉઠ

ક્યારે કોમળ કંજ કરેથી સ્પર્શ શરીરે કરશે,
જન શરણાગત પ્રિયપદ થાવા સાગર પાર ઉતરશે ? ઉઠઉઠ

ઉઠી પ્રભાતે લખ એક કાગળ પ્રીતમને ભરપ્રેમે,
બુલબુલ રૂડું છે દુત તારે લઇ જાશે બહુ રે’મેં. ઉઠઉઠ

પ્રીતમથી બિછુર્યા કરતાં તો મૃત્યુ સારું લાગે,
મૃત્યુ તો મહામુનિ યતિ માગે, बाल કેમ ના માગે? ઉઠઉઠ.


0 comments


Leave comment