3 - કટાક્ષ / બાલાશંકર કંથારિયા


રાગ દેશ- તાલ ગઝલ
(રે, પરસે ઝરને લગે શરર, ના તડક ત બુલબુલે ઝર બસ’ – એ રાહ )

મધુર મધુરી આંખડીનિ કટાક્ષ તે ક્યમ વીસરે,
તે પુર દગલબાજી ભરી ભરવ્યંજના ક્યમ વીસરે?

રમવા કરી’તી આશ તુજ મૃદુ ગૌર બાહૂબંધમાં,
દરિયાઈ મોજે રડવડ્યો હું, દુઃખ તે ક્યમ વીસરે?

અંતર પડેલા દાહ પર દુશ્મન લગાડે લૂણને,
તવ પ્રેમનાં બાધક કરે દુખ હાય ! તે ક્યમ વીસરે?

સર્વાંગ કોમલ કુસુમ લજવે એહવાં તારાં લસે,
પણ અંતરે પથ્થર સમી પ્રિય પીડ તે ક્યમ વીસરે ?

મુજ દુઃખનો વિશ્રામ વ્હાલી !મેં ધર્યો મુખપંકજે,
મુક થઈ ગયો ભોગી ભ્રમર હું બંધ તે ક્યમ વીસરે?

તુજ કાજ બંધન બેડીના કરું બંધ અક્કે કે જુદા,
પણ એક તુટતાં સાત સંધાયે કહો ક્યમ વીસરે?

શાને ઘરું ના માન જયારે માનિ તું થઈ નીવડે,
પણ નજર ગુસ્સાબાજના રસભાવ તે ક્યમ વીસરે?

લઇ સ્કંધ પર વીણા મધૂરી ગાઉ તારાં બિરદ હું,
પણ જીવ ચહે અમૃત અધરના ઘૂંટડા ક્યમ વીસરે?

સુંદર મનોહર પ્રેમના નિર્મળ ઝરામાં નાહિને,
નાહ્યો જગતને તૂજ માટે, ટેક તે ક્યમ વીસરે?

છુટિ છુટિ પડી કર્પૂર ગૌર કપોલ પર અલકાવલી,
રૂપ નાગણી અંતર ડશી, દુખદંશ તે ક્યમ વીસરે?

બતલાવું પ્રાણ ! ઉપાય ઘાયલ પ્રેમિ કેરા વૈદનો,
કરિ પાશ કંઠ દશ્યા વિના ચિત ઝેર તે ક્યમ વીસરે?

કામી વિચાર કરે, કરોડો ચિત તથાપી શું કરે,
પણ પ્રેમિની પળપળ કદાપી દુઃખથી ક્યમ વીસરે?

આવી લહેર સુગંધલ્હેરાતી સુગંધી અલકથી,
પેગામ આપે પણ નહીં તું ચિત્ત તે ક્યમ વીસરે?

અંતર રૂધિર રૂશનાઈએ લખું લેખ નભ પાટી ઉપર,
પ્રેમી તણા બહુ રંગ તે, શુન્યાત્મમાં ક્યમ વીસરે?

શાણા સનેહીનો સનેહી, મસ્તમાં મસ્તાન बाल,
વીસરે ક્યમ વીસરે તવ મધુર મુખ ક્યમ વીસરે?


0 comments


Leave comment